દાહોદ નગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે ભારે હોબાળો મચાવતા શાસક પક્ષ બેક ફુટ પર આવી ગયો હતો. શોર બકોર વચ્ચે ચેરમેનોના નામોની જાહેરાત કરવી પડી હતી. જેમાં નવા નિશાળિયાને મલાઈદાર ખાતા ફળવાયા હતા, જ્યારે સંગઠનના કાર્યકરો અને અનુભવીઓને લોલીપોપ પકડાવી હોવાની ચર્ચાઓ ઉભી થઈ છે.

દાહોદ નગર પાલિકામાં આજે વિવિધ સમિતિઓના સભ્યો અને ચેરમેનોની વરણી માટે સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખે મુદ્દા નંબર 1 થી 42 મંજૂર કહેતાની સાથે જ કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે મુખ્યત્વે ચીફ્ ઓફ્સિરને આડે હાથ લીધા હતા. એક વિપક્ષી સભ્યએ તો સી.ઓ જાહેરમાં તમે પણ ભાજપનો ખેસ પહેરી લીધો છે, તેમ રોકડું પરખાવી દેતાં સન્નાટો છવાઈ ગયો હતો. છેવટે શહેર ભાજપ પ્રમુખ અર્પિલ શાહે દેકારા વચ્ચે વિવિધ સમિતિઓના સભ્યો અને ચેરમેનોના નામની જાહેરાત કરવી પડી હતી. મુખ્યત્વે યાદી જોતાં કોટા સીસ્ટમ ફરીથી લાગુ કરીને મુખ્ય સમિતિઓ પર અમુક વર્ગનું પ્રભુત્વ કાયમ રાખવામાં આવ્યુ હોવાનો ગણગણાટ થવા માંડયો હતો. બીજી તરફ્ જેમણે ભાજપાના સંગઠનમાં રાત દિવસ પરસેવો પાડનારાને હાંસિયામાં ધકેલીને જેઓ પેરાશૂટ સભ્યો ચુંટાઈ આવ્યા છે તેમને ગોડફધરોના ઇશારે ગોલ્ડન સમિતિઓના ચેરમેન પદ અપાયા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયુ છે. કારણ કે બાંધકામ, મેન્ટેનન્સ અને ટાઉન પ્લાનિંગ, આરોગ્ય જેવી મહત્વની સમિતિઓનું સુકાન આપવામાં જિલ્લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘાબેન પંચાલ, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ હાર્દિક બારીયા, પૂર્વ મહામંત્રી દર્શિશ દિવાકર, જિલ્લા લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી મારિયા ભાટિયા તેમજ સિનીયર નગર સેવકો લક્ષ્મીબેન ભાટ અને ઇસ્તિયાક સૈયદને પણ સામાન્ય વિભાગો સુપ્રત કરાતા મોવડી મંડળની મંશા સામે ઘણાં સવાલો ઉભા થયા છે.