દેવગઢબારીઆ નગરપાલિકામાં ત્રણ વોર્ડની છ બેઠકો માટે પેટાચૂંટણી ગત તા.28ના રોજ યોજાઈ હતી, જેના પરિણામો આજે જાહેર થતા વર્તમાન સત્તાધિશ ભાજપને છ બેઠકો પૈકી ભાજપને માત્ર બે બેઠકો પર વિજય મળ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બે - બે ઉમેદવારો વિજેતા થયા હતાં.

દેવગઢબારીઆ પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નં -1 માં જયેન્દ્રસિંહ કાળુંસિંહ રાઉલજી (ભાજપા)ને 854 મત, ગોપાલ મનહરસિંહ ઝાલા (આપ)ને 827 મત, રાનીબેન મુકેશ રાવળ (અપક્ષ)ને 22 મત અને નોટામાં 56 મત પડયા હતા, જેમાં ભાજપના જયેન્દ્રસિંહ રાઉલજી વિજેતા બન્યા હતા.

જયારે વોર્ડ નં -4માં બે બેઠક પર તેજલબેન સુનિલ મહેતા (ભાજપા)ને 970 મત, નિધિબેન અક્ષય જૈન (આપ)ને 1070 મત, મંજિતાબેન પંકજ પસાયા (ભાજપા)ને 948 મત, સરલાબેન રાજેશ મેડા (આપ) ને 823 મત મળ્યા હતા, જયારે નોટામાં 30 મત પડયા હતા, જેમાં આપના સરલાબેન મેડા અને નિધિબેન જૈન વિજેતા જાહેર થયા હતા. વોર્ડ નં -5 માં ત્રણ બેઠક પર મિનેષ ઉર્ફે વિપુલભાઈ રમણલાલ પટેલ (ભાજપા)ને 1014 મત, સાહિલ ઘનશ્યામ મોહનિયા (ભાજપા) 785 મત, વર્ષાબેન અજય લીંબોચીયા (ભાજપા)ને 808 મત અક્ષય રામશંકર સુથાર (કોંગ્રેસ)ને 1095 મત, પ્રજ્ઞેશ રમણ મોહનિયા (કોંગ્રેસ)ને 776 મત, લક્ષ્મીબેન મુકેશ હરિજન (કોંગ્રેસ)ને 845 મત મળ્યા હતા. જયારે નોટામાં 27 મત પડયા હતા. જેમાં લક્ષ્મીબેન હરિજન (કોંગ્રેસ) તથા સાહિલ મોહનીયા (ભાજપા) અને અક્ષય સુથાર (કોંગ્રેસ) વિજેતા જાહેર થયા હતા. દેવગઢબારીઆ પાલિકામાં વર્ષોથી સફાઈ કામદાર તરીકે સેવા આપતી વોર્ડ પાંચના મહિલા ઉમેદવાર લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજન ચૂંટાઈ આવતા તેણીના મત વિસ્તારમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો