બાંડીબાર : મિનિસ્ટ્રી ઓફ્ ટ્રાયબલ અફેર્સ, ગુ.સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા સંચાલિત એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કૂલ, સીંગવડમાં ગઈકાલે ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આચાર્ય અનિલભાઈ પટેલ તથા શિક્ષકોએ દીપ પ્રાગટય કર્યા બાદ વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરી તમામ શિક્ષકોને કંકુ તિલક કરી, અક્ષત અર્પણ કરી તથા પુષ્પગુચ્છ આપી આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગુરુનું જીવનમાં રહેલું મહત્વ, શિક્ષકનું સ્થાન અને જ્ઞાનના પ્રકાશ દ્વારા જીવનને ઉજ્જવળ બનાવવામાં ગુરુની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા, તેમજ ગુરુની મહિમાને ઉજાગર કરતા ભજનો રજૂ કર્યા હતાં, શિક્ષકોએ ગુરુપૂર્ણિમાના મહત્વ અને ગુરુના જીવનમાં રહેલા સ્થાન અંગે વિસ્તૃત વ્યાખ્યાનો આપ્યા હતાં.
