દેવગઢબારીઆ : મલેશિયામાં યોજાયેલી MBW ઇન્ટરનેશનલ ઓપન તાઈકવાન્ડો ચેમ્પિયનશિપમાં ભારત માટે કુલ ત્રણ મેડલ જીતનાર દેવગઢ બારીઆની પ્રતિભાશાળી ખેલાડી મિસબા દીવાનનું આજે પોતાના વતન દેવગઢબારીઆ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું.
મિસબા દીવાને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ક્યોરુગીમાં સિલ્વર મેડલ, પૂમસેમાં સિલ્વર મેડલ તેમજ વર્ચ્યુઅલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી દેવગઢ બારીઆ નગર, દાહોદ જિલ્લા અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ગઈકાલે તેણીના વતન આગમન સમયે પરિવારજનો, મિત્રો, રમતગમત પ્રેમીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ મિસબા દીવાનની આ સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
