શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તો જોડાયા
દાહોદ ખાતે જલારામ બાપાની 227 મી જન્મ જયંતી મહોત્સવ તથા સાઈનાથ બાબાનો 19માં પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તેમજ બાપાની જન્મ જયંતી નિમિત્તે ધ્વજારોહણ, પાદુકા પુજન, હવન, ભજન સંધ્યા તેમજ પૂજા અર્ચના તથા પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની 227 મી જન્મ જયંતી અને સાઈનાથ બાબાનો 19 મો પાટોત્સવ નિમિત્તે મંન્ડાવ રોડ સ્થિત જલારામ મંદિરે સવારના 7 વાગે નિત્ય આરતી અને પાદુકા પૂજન તથા 8 વાગ્યે હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ જલારામ મંદિર થી ભજન કીર્તન સાથે નીકળેલી શોભાયાત્રા માર્કેટ યાર્ડ, બહારપુરા પડાવ, ગાંધી ચોક, દોલત બજાર થઈ જલારામ મંદિર પરત ફરી હતી. ત્યાર પછી બપોરના સુમારે જલારામબાપા તથા સાઈનાથ બાબા ની ધજા રોહન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાના ભક્તો સવારથી જ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઊમટયા હતા. બપોરના સમારે જલારામ બાપાના મંદિરના પટાંગણમાં ભોજન પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ બાદ પૂ.જલારામ બાપાની તથા પૂ. સાઈનાથ બાબાની આરતી યોજાઇ હતી. રાતે 9 વાગે ભજન સંધ્યા યોજાઇ હતી. જ્યારે મધરાતે 12 ના ટકોરે પૂજ્ય બાપાની મધ્ય આરતી હતી . આ ધાર્મિક અને મંગલ કાર્યક્રમમાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતા.
