દાહોદ જિલ્લામાં કુલ 1753 મતદાન મથકો પર મતદાન યોજાશે. તેમાંથી 403 સંવેદનશીલ અને 564 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ મતદાન મથકો પર બોડી વાર્ન કેમેરા સાથે હથિયારધારી પોલીસ તૈનાત કરાશે.
રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે દાહોદ જિલ્લાનું વહીવટી અને પોલીસ તંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ થાય તેના માટે એક્શન મોડમાં આવી ગયું છે. જેથી જિલ્લાના કુલ 1753 મતદાન મથકોમાંથી 55% જેટલા એટલે કે 967 મથકોને સંવેદનશીલ ગણવમાં આવ્યા છે. વહીવટી તંત્ર ભૂતકાળમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ નહીં પરંતુ લોકસભા અને વિધાનસભા ચૂંટણીના પણ વિશ્લેષણ કરીને 403 સંવેદનશીલ અને 564 મતદાન મથકો અતિ-સંવેદનશીલની શ્રોણીમાં મુકવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત રાખવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે મથકો પર અગાઉ હિંસા કે બુથ કેપ્ચરિંગ જેવી ગંભીર ઘટનાઓ બની હતી ત્યાં સ્થાનિક પોલીસની અથવા એસ.આર.પી અથવા પેરામિલિટ્રી ફોર્સના હથિયારધારી જવાનો ખડેપગે રહેશે. કોઈ પણ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે 5 થી 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી શકે તેવી ક્વિક રિસ્પોન્સ ટીમ અને માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત જવાનો બોડી વાર્ન કેમેરા થી સજ્જ હશે અને સમગ્ર મતદાન પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડીંગ કરવામાં આવશે. જૂથવાદ કે જૂની અદાવત ધરાવતા વિસ્તારોમાંSRPની ટુકડીઓ દ્વારા સતત મોબાઈલ પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વો નજર રાખવામાં આવશે. જ્યારે શાંતિપૂર્ણ ઇતિહાસ ધરાવતા સામાન્ય બુથો પર પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો વ્યવસ્થા જાળવશે. સેક્ટર ઓફિસરની ગાડીઓ સતત નિરીક્ષણ રાખશે.










