દાહોદ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે વરસાદ વરસતાં ધરતી પુત્રોએ હોંશે હોંશે 1 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર કર્યુ છે, પરંતુ જિલ્લામાં યુરિયાની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે. જિલ્લામાં જુલાઈ માસ સુધીમાં આવવા પાત્ર યુરિયાના જથ્થા પૈકી 8800 મેટ્રીક ટન જેટલો સપ્લાય ઓછો હોવાથી આવનાર દિવસો કપરાં લાગી રહ્યા હોવાથી ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં 2.40 લાખ હેક્ટર જમીન વાવેતર લાયક છે. જિલ્લામાં મોટી કોઈ સિંચાઈ યોજના નહીં હોવાથી હાલમાં મોટા ભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરે છે. તેને કારણે વર્ષમાં માત્ર ખરીફ્ અને રવી એમ બે જ પાક લઈ શકાય છે. કોઈ મોટા ઉદ્યોગ પણ જિલ્લામાં નથી. તેથી ખેતી સિવાયના દિવસોમાં ગરીબ શ્રામિકો મહાનગરોમાં રોજી રોટી મેળવવા પરિવારો સહિત હીજરત કરી જતાં હોય છે. આ ચોમાસામાં જૂન માસમાં માત્ર 26.82 મિ.મી એટલે કે માત્ર એક ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા વાવેતર ખોરંભે પડયુ હતુ. ત્યાર બાદ જુલાઈના આરંભે સરેરાશ 4 ઇંચ વરસાદ વરસતાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ 1 લાખ હેક્ટર જમીનમાં મકાઈ અને સોયાબીન સહિતનું વાવેતર કર્યું હતુ અને હાલ પણ વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યુ છે. પરંતુ ખેડૂતો યુરિયા માટે સમગ્ર જિલ્લામાં વલખાં મારી રહ્યા છે. જિલ્લામા દરેક ખાતર ડેપો પર ખેડૂતો વહેલી સવારથી કતારોમાં લાગી જાય છે, તેમ છતાં યુરિયા ખાતર મળતુ નથી. કેટલાક ડેપો માલિકો કહે છે, ખાતર પૂરતુ છે, તો કેટલાક અધિકારીઓ રિઝર્વ કોટા હોવાનું રટણ કરી રહયા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. જેથી ખેડૂતો હવે જાહેરમાં નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ છાશવારે નાના નાના કાર્યક્રમો કે વિરોધ પ્રદર્શનોના વિડીયો મુકી પ્રસિધ્ધિ મેળવવાનો પ્રયાસ કરનાર શાસક અને વિપક્ષના એક પણ નેતાએ એક પણ ખાતર ડેપોની મુલાકાત લીધી હોય તેવુ જણાતું નથી. ત્યારે ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે કે, એપ્રિલથી જુલાઇ સુધીમાં દાહોદ જિલ્લામાં યુરિયા ખાતરનો જેટલો જથ્થો સપ્લાય થવો જોઈએ તેમાં 8800 મેટ્રીક ટન જેટલો જંગી જથ્થો આવવાનો બાકી છે. આટલો અધધ જથ્થો જુલાઇના એક પખવાડિયામાં જ આવી જાય તેમ જણાતું નથી, જો તેવુ બનશે તો જિલ્લામાં ખાતર મામલે કપરો કાળ આવવાની સંભાવના જોવાઇ રહી છે.