રાજકોટની શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત 14મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા (2025-26)માં દેવગઢ બારીઆની એસ. આર. હાઈસ્કૂલનાં ધો. 10ના વિદ્યાર્થી ઠાકોર વ્રજસિંહ વિજયસિંહે ગુજરાત રાજ્ય કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી આ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરીને પોતાનું અને શાળા તેમજ પંથકનું નામ રોશન કર્યું છે.


ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ઠાકોર વ્રજસિંહ વિજયસિંહને આગામી રવિવાર, 4 જાન્યુઆરી-26નાં રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે આયોજિત વિશેષ પુરસ્કાર વિતરણ સમારોહમાં વિશેષ સન્માનિત કરાશે. આ પ્રસંગે ગુજરાત સરકારનાં રાજ્યકક્ષાનાં મંત્રી ત્રિકમ બીજલભાઈ છાંગા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી આ વિજેતાને પ્રોત્સાહિત કરનાર હોવાની માહિતી મળી છે.રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લાની કુલ 774 શાળામાંથી 57,085 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આટલી વિશાળ સંખ્યા અને તીવ્ર સ્પર્ધા વચ્ચે વ્રજસિંહે પોતાની બૌદ્ધિક ક્ષમતા અને સ્વામી વિવેકાનંદના વિચારો પ્રત્યેની પોતાની સમજ દ્વારા સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. જે ખરેખર પ્રશંસનીય અને ગૌરવની બાબત છે.

શાળા પરિવાર માટે હર્ષ અને પ્રેરણા સમાન વિદ્યાર્થી ઠાકોર વ્રજસિંહ વિજયસિંહની આ અનન્ય અને ઝળહળતી સફ્ળતા બદલ એસ આર હાઈસ્કૂલ મંડળના પ્રમુખ અને પૂર્વ રમતગમત મંત્રી શ્રીમંત રાજમાતા મહારાઉલ ઉર્વશીદેવીજી, મંડળનાં ઉપપ્રમુખ શ્રીમંત મહારાજા તુષારસિંહજી, માનદમંત્રી કિરીટસિંહજી ચૌહાણ તથા શાળાનાં આચાર્ય એમ આઈ અરબ તેમજ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: