સંજેલી તાલુકાના હીરોલા રંગી ઘાટીમાં સંજેલીથી ડાંગર ભરીને ઉજ્જૈન તરફ્ જતી મહારાષ્ટ્રની MH18BA0320 હીરોલા રંગલી ઘાટી ચડી રહી હતી. ત્યારે અચાનક ટ્રકમાં ખામી સર્જાતા ટ્રક પાછી પડી હતી. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં જોરદાર ધડાકા સાથે રેલિંગ તોડીને 100 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ખાબકી હતી. ખાડામાં ખાબકેલી ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડાંગરની બોરીઓ આખા ખાડામાં વિખેરાઈ ગઈ હતી. ચાલક તેમજ ક્લીનર ટ્રકમાંથી કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો હતો. હીરોલા રંગી ઘાટીમાં વાંકીચૂકી વળાંક અને ઊભો ચડાવ હોવાથી વાહનચાલકો માટે આ ઘાટી મુશ્કેલી સમાન બની છે. ખાસ કરીને ભારે વાહનો અને ડાંગર ભરેલી ટ્રકો માટે આ ઘાટી પસાર કરવી ખૂબ જ જોખમી સાબિત થાય છે. ચડાવ પર વાહન પાછું વળી જવાનો અને વળાંક પર કાબૂ ગુમાવવાનો ભય સતત રહે છે. આ ઘાટીમાં અગાઉ પણ અનેક વખત જોરદાર અકસ્માતો સર્જાયા છે. તેમ છતાં તંત્ર દ્વારા રેલિંગ મજબૂત કરવા, સ્પીડ બ્રેકર મૂકવા કે ચેતવણી બોર્ડ લગાવવા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તેમજ ઘાટી પરના ઉભા ચડાવને ઘાટી પહોળી કરી અને ચડાવ દૂર કરવાની કામગીરી પણ કરાતી નથી. આ બાબતે આવા ઉભા ચડાવ અને ડબલ પટ્ટી માર્ગને ફોર લેન કરવામાં આવે ચડાવ થોડો હલકો કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.
