લીમખેડા : લીમખેડા તાલુકાના ઉમરીયા ડેમમાં 82 ટકા પાણી ભરાતા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, હડફ્ નદીકાંઠાના 10 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. તાલુકાની મહત્વની ઉમરિયા સિંચાઈ યોજનાના જળાશયમાં પાણીની આવક સતત વધતા વહીવટી તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની આગાહી અને જળાશયમાં વધતા જતા જળસંગ્રહને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. આજે તા.1 ઓગસ્ટના રોજ સવારે 08:00 કલાકે નોંધાયેલા આંકડા મુજબ ઉમરિયા ડેમની સપાટી 278.95 મીટર સુધી પહોંચી ગઈ છે. આ ડેમની કુલ સપાટી 280.00 મીટર છે, એટલે કે પૂર્ણ સપાટીથી ડેમ માત્ર 1.05 મીટર જ ખાલી છે. ડેમમાં હાલમાં 11.13 મિલિયન ક્યુબિક મીટર ગ્રોસ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જેમાં 9.26 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ અને 1.87 મિલિયન ક્યુબિક મીટર ડેડ સ્ટોરેજ સામેલ છે. હાલમાં ડેમમાં 294 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે આઉટફ્લો શૂન્ય છે. વિસ્તારમાં અત્યાર સુધી કુલ 398 મિલિમીટર વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 82.20 ટકા ભરાઈ ચૂક્યો છે. હડફ્ નદી બેકાબૂ થઈને વહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નાયબ કાર્યપાલક ઇજનેર, ઉમરિયા નહેર પેટા વિભાગ દ્વારા મામલતદારને સત્તાવાર જાણ કરાઈ છે. સંભવિત જોખમને જોતા જળાશયના નીચવાસમાં આવતા 10 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં પટવાણ, ટીંબા, આંબા, ચેડિયા, અગારા, ફુલઘા, નિનામાના ખાખરીયા, પરમારના ખાખરીયા, અંધારી કાકરા અને પાડોળા ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોના તલાટી અને સરપંચોને કક્ષાએથી નદીના પટમાં કે તેની નજીક અવરજવર ન કરવા તેમજ નાગરિકોને જરૂરી સૂચનાઓ આપવા માટે આદેશ કરાયા છે. જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા ડેમની વર્તમાન સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિને અનુરૂપ આગામી સમયમાં યોગ્ય નિર્ણયો લેવામાં આવશે.
