દેવગઢબારીઆ શહેર તેમજ નદી કાંઠાના જુનાબારીયા, ઊંચવાણ સહિતના ગામોના લોકોની જીવાદોરી સમાન પાનમ નદીમાં ઉનાળાની ઋતુ પુરી થવાના દિવસોમાં ધીમે ધીમે પાણી સુકાઈ રહ્યું છે. આ પાનમ નદીમાંથી દેવગઢબારીઆના નગરજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.


હાલમાં પાનમ નદીમાં પાણી સુકાઈ જતા નદીના પટમાં આવેલા બંને ભૂગર્ભ કુવાઓ પણ બહાર દેખાઈ રહ્યા છે. હાલ પીવાનું પાણી એકાદ બે દિવસના આંતરે મળે છે, પણ વરસાદ નહીં આવે તો આવનારા સમયમાં સ્થિતિ મુશ્કેલ બની રહેશે. પાલિકા તંત્રએ ટેન્કરો દ્વારા બહારગામથી પાણી વેચાતું લાવવાનો વારો પણ કદાચ આવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

અગાઉ પાનમ નદીમાં ભૂગર્ભ ચેકડેમ છલોછલ ભરેલો રહેતો હતો, અને નદીના પૂર્વ વિસ્તાર તરફ નજર કરીએ ત્યારે નદી બે કાંઠે ભરેલી હોય એટલું પાણી જોવા મળતું હતું. હવે આ જગ્યાએ પાણી સુકાઈ જતા માત્ર રેતી જોવા મળી રહી છે. હવે આ નદીમાં સાફ્સફઈ કરવાના બહાને રેતી ખનન પ્રવૃત્તિ વધી જવાની પણ શક્યતા સેવાઈ રહી છે. કેટલાય ખનીજ માફ્યિાઓ નદીમાં કાંપને સાફ કરવાનું બહાનું ધરીને રેતી ઉલેચી રોયલ્ટી વગર ટ્રકો ભરીને રેતી લઈ જતાં હોવાની પણ સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આ પ્રકારે ખનન થશે તો આગામી સમયમાં નદીનું કુદરતી સ્તર બગડશે અને ભૂગર્ભ જળ ઉપર પણ ગંભીર અસર પડી શકે તેમ છે. નદીમાં પાણી સુકાઈ જતા પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે, ત્યારે નદીના પટમાં આડેધડ રેતી ખનન સામે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: