અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદ સંચાલિત સ્વ. કાલીબેન ભગત સાર્વજનિક પુસ્તકાલય, દાહોદ દ્વારા વાચકોમાં પુસ્તક પ્રત્યેનો પ્રેમ વધે અને જ્ઞાનનો પ્રસાર થાય તે હેતુથી ક્કગ્રંથાલય સપ્તાહક્રની ઉજવણી કરાઇ રહી છે. આ સપ્તાહ અંતર્ગત આજે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પુસ્તક પ્રદર્શનનું દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન વિધિ દાહોદના અગ્રણી અને ગુર્જર ભારતી સંસ્થાના ટ્રસ્ટી ગોપાલ ધાનકા દ્વારા કરાઇ હતી. જે પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો અને વાચકોને સંબોધતા ગોપાલ ધાનકાએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અકબંધ છે. પુસ્તકો સાચા મિત્ર અને માર્ગદર્શક છે. જે માણસના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પુસ્તકાલયો જ્ઞાનના મંદિરો છે. યુવા પેઢી તેમજ વિદ્યાર્થીઓએ વાચન સંસ્કૃતિ અપનાવવી અનિવાર્ય છે. પ્રદર્શનમાં વિવિધ વિષયો જેવા કે સાહિત્ય, ઇતિહાસ, ધર્મ, પ્રેરણાદાયી જીવનચરિત્રો, સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો સહિત અનેક ઉપયોગી ગ્રંથો મૂકાયા છે. જેને નિહાળવા અને વાંચવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાચકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના અંતે પુસ્તકાલયના સંચાલકો દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. આ પુસ્તક પ્રદર્શનથી દાહોદના વાચક વર્ગમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો