આજના ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં જ્યારે યુવા પેઢી પુસ્તકોથી દૂર થઈ રહી છે, ત્યારે દાહોદ શહેરમાં સાહિત્યપ્રેમીઓની એક ટીમ દ્વારા પુસ્તક સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો પ્રશંસનીય પ્રયાસ હાથ ધરાયો છે. વાંચન સંસ્કૃતિનો વ્યાપ વધારવાના ઉમદા હેતુ સાથે ગોધરા રોડ સ્થિત દેસાઈવાડામાં ગોવર્ધનનાથજીની હવેલી પાસે દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 8 થી 10:30 દરમિયાન પુસ્તક પરબ યોજાયો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફરીથી પુસ્તકો તરફ્ વાળવાનો અને તેમના જીવનમાં વાંચનનું મહત્વ સમજાવવાનો છે.


આ પુસ્તક પરબની વિશેષતા એ છે કે અહીં વાંચકોને કોઈપણ પ્રકારના શુલ્ક વિના પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે. નિયમ મુજબ, વાંચકો પુસ્તક ઘરે લઈ જઈ શકે છે અને વાંચન પૂર્ણ થયા બાદ તેને પરત જમા કરાવવાનું રહે છે, જેથી અન્ય કોઈ જિજ્ઞાસુ વાચક પણ તે પુસ્તકનો લાભ લઈ શકે. આ પ્રકારની વ્યવસ્થાથી પુસ્તકોની આપ-લેની એક સાંકળ રચાય છે. જો કોઈ વ્યક્તિ પાસે પુસ્તકોનો સંગ્રહ હોય અને તેઓ તે બીજાને વહેંચવા ઈચ્છતા હોય, તો પુસ્તક પરબમાં દાન સ્વરૂપે પુસ્તકો સ્વીકારવામાં પણ આવે છે. આ પ્રોજેક્ટને સફ્ળ બનાવવામાં નીલમ જાદવ, અમીષાબેન પંચાલ, જહુરુદીન શેખ, રવિન્દ્રભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પરમાર અને રીતેશભાઈ સોનીની ટીમ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે. આ તમામ સભ્યોનો એકમાત્ર ધ્યેય સમાજમાં વાંચનનું વાતાવરણ ઉભું કરવાનો છે. આધુનિક યુગમાં જ્યારે લોકો મોબાઈલ અને સ્ક્રીન પાછળ કલાકો વિતાવે છે, ત્યારે પુસ્તક પરબ જેવી પહેલ યુવાનો અને બાળકોમાં પુસ્તકો પ્રત્યેની રુચિ ફરી જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: