ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં સમાવિષ્ટ કરાયેલા તરસાણા ગામમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં ગ્રામજનો ગંભીર મુશ્કેલીમાં મૂકાયા છે. મુખ્ય માર્ગની સાઈડમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં મોટું લીકેજ થવાના કારણે પાઇપમાં માટી અને ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. પરિણામે, ગામના રહેણાંક વિસ્તારોમાં નળ વાટે અત્યંત દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી આવી રહ્યું હોવાથી લોકો આવું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, દૂષિત પાણીના વપરાશને લીધે ગામમાં ઝાડા-ઊલટી, પેટમાં દુઃખાવો અને તાવ જેવા પાણીજન્ય રોગોના કેસો સામે આવી રહ્યા છે. લોકો બીમાર પડી રહ્યા છે. જો સમયસર યોગ્ય પગલાં નહી લેવાય તો ગામમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે. તરસાણા ગામનો સમાવેશ ડભોઈ નગરપાલિકાની હદમાં કરી તો દેવાયો છે. પરંતુ પ્રાથમિક સુવિધા આપવાના મામલે પાલિકા તંત્ર ઓરમાયું વર્તન દાખવી રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યાં છે. ગામને માત્ર કાગળ પર નગરપાલિકામાં ભેળવી દેવાયું છે. વાસ્તવિકમાં તંત્ર ગામની પ્રાથમિક સમસ્યા તરફ્ આંખ આડા કાન કરી રહ્યું છે. ગામજનોની માંગણી છે કે, પાલિકા તંત્ર તાત્કાલિક અસરથી લીકેજનું સમારકામ હાથ ધરે અને જર્જરિત થઈ ગયેલી જૂની લાઈનની જગ્યાએ નવી પાઇપલાઇન નાખી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે અને કોઈ ગંભીર રોગચાળો વકરશે. તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા પ્રશાસનની રહેશે તેવી ઉગ્ર ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.
