ત્રણ વોર્ડની ખાલી બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું.
દેવગઢબારીઆ નગર પાલિકાના ત્રણ વોર્ડના છ કોર્પોરેટરોને ગેરલાયક ઠરાયા બાદ આ ખાલી પડેલી બેઠકો માટે આજે વરસાદી માહોલ વચ્ચે પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં આશરે 75 % જેટલું મતદાન થયું હતું. મતદાન બાદ ત્રણ વોર્ડના કુલ 13 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતાં. હવે તા.30ના રોજ મતગણતરી હાથ ધરાશે.
દેવગઢબારીઆ પાલિકામાં ભાજપના પક્ષપલ્ટુ સભ્ય નીલ સોની સહિત છ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈ પ્રમુખ ધર્મેશ ભરતભાઈ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી પ્રમુખપદ મેળવ્યું હતું. ત્યારબાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે નીલ સોની સહિત તમામ છ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જે બાદ પ્રમુખ ધર્મેશ કલાલે પક્ષાંતર ધારા હેઠળ આ છ સભ્યો સામે નામોદિષ્ટ અધિકારી સમક્ષ સભ્યપદ રદ કરવાની અરજી કરી હતી. જે અરજીની સુનાવણી બાદ તમામ 6 સભ્યોને ગેરલાયક ઠરાવાયા હતાં. જે બાદ તેમની ખાલી પડેલી બેઠક માટે આજે પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં - 1 માં જયેન્દ્રસિંહ કાળુંસિંહ રાઉલજી (ભાજપા), ગોપાલ મનહરસિંહ ઝાલા (આમ આદમી પાર્ટી), રાનીબેન મુકેશ રાવળ (અપક્ષ) જયારે વોર્ડ નં - 4 માં તેજલબેન સુનિલ મહેતા (ભાજપા), નિધિબેન અક્ષય જૈન (આમ આદમી પાર્ટી), મંજિતાબેન પંકજ પસાયા (ભાજપા), સરલાબેન રાજેશ મેડા (આમ આદમી પાર્ટી) તેમજ વોર્ડ નં -5માં મિનેષ ઉફે વિપુલભાઈ રમણલાલ પટેલ (ભાજપા), સાહિલ ઘનશ્યામ મોહનિયા (ભાજપા), અક્ષય રામશંકર સુથાર (કોંગ્રેસ), પ્રજ્ઞેશ રમણ મોહનિયા (કોંગ્રેસ), લક્ષ્મીબેન મુકેશ હરિજન (કોંગ્રેસ) એમ કુલ 13 ઉમેદવારોએ આ પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આજે સવારે વરસાદી માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે પાંચ વાગ્યે સંપન્ન થઈ હતી. આ લખાય છે, ત્યાં સુધી સાંજે પાંચ વાગ્યા સુધીમાં વોર્ડ નં - 1 માં કુલ 69.64 %, વોર્ડ નં.- 4 માં 73.8 %, તેમજ વોર્ડ નં - 5 માં 73.49 % મતદાન નોંધાયું હતું. યું હતું. હજુ મતદાન ટકાવારી વધશે તેમ જણાય છે. મતદાન ની કુલ સરાસરી જોતા આશરે 75 % જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હવે તા.30ના રોજ ગુરુવારે મતગણતરી થશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો