દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં આવતીકાલે શુક્રવારે ચુંટણી પ્રચાર, પ્રસારનો અંતિમ દિવસ હોઈ સાંજે પ્રચાર પડખમ શાંત પડશે. ત્યારે આજે છેલ્લા દિવસે ઉમેદવારો મતદારોને રીઝવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યાં હતાં. દાહોદ પાલિકાના 56 પૈકી 45 મતદાન મથકો સંવેદન અને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયતો અને દાહોદ નગરપાલિકાની ચુંટણી માટે 26 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે હવે ગણતરીના દિવસો બાકી હોવાથી તમામ ઉમેદવારો અને તેમના ટેકેદારો મતદારોને મનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. તમામ પાર્ટીઓ પ્રચાર, પ્રસારમાં વ્યસ્ત છે. સભાઓ, મીટીંગો, ઘરે ઘરે જઈ ઉમેદવારો મતદારો સમક્ષ લોભામણી લાલચો તેમજ વાયદાઓ કરી મતદારો પોતાને મત આપે તે માટેના પ્રયાસો કરી રહી છે. આજે પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ હોઈ ઉમેદવારો મોડી રાત્રી સુધી પ્રચાર, પ્રસાર સહિતની કામગીરી જોતરતા જોવા મળ્યાં હતાં. આવતીકાલે તા.24મીએ સાંજે 6 વાગ્યાથી જાહેર પ્રચાર, પ્રસાર પડખમ શાંત પડશે. જે બાદ ઉમેદવારો સોગઠા ગોઠવવામાં પણ વ્યસ્ત બનશે. જિલ્લામાં 56 પૈકી 26 સંવેદનશીલ અને 19 અતિ સંવેદનશીલ મતદાન મથકો. દાહોદ જિલ્લા ચુંટણી તંત્રએ પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. મતદાનથી લઈ મતગણતરી સુધી ચુંટણી પંચ ખડેપગે પોતાની ફરજ બજાવશે. પોલીસ તંત્ર દ્વારા પણ મતદાન અને મતગણતરીના સમયગાળા દરમ્યાન કોઈ અનિચ્છિનીય બનાવ ના બને તે માટેની તૈયારીઓ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ જિલ્લામાં સુચારૂ અને કડક વ્યવસ્થા કરી દીધી છે. કારણ કે દાહોદ નગર પાલિકાના કુલ 56 મતદાન મથકો છે, તે પૈકી 26 સંવેદનશીલ અને 19 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે, ફક્ત 11 મતદાન મથકો જ સામાન્ય રહ્યા છે. પોલીસ જવાનો બોડી કેમેરાથી સજ્જ રહેશે. દાહોદ નગર પાલિકાના તમામ મતદાન મથકો પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.તમામ મથકોમાં સીસીટીવી કેમેરા રખાયા છે તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની પોલીસ કુમક ગોઠવવામાં આવશે. ત્યારે ચુંટણી વિભાગમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે તમામ પોલીસ કર્મીઓ બોડી કેમેરાથી સુસજ્જ રહેશે.

કામરેજની રામકબીર શાળામાં 166 કન્યાનો પ્રવેશ









