ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમને લઈને જિલ્લા કલેકટર સુરભી ગૌતમ આવ્યા હતા. જ્યાં તાલુકા સ્વાગતમાં પાલિકાને લાગતો પ્રશ્ન આવતા કલેક્ટરે પાલિકા કચેરીની મુલાકાત લઈ અરજદારની તરફેણમાં આદેશ કરી પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. તેમજ મામલતદાર તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો આપ્યા હતા. ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ સાત પ્રશ્નો અરજદારો દ્વારા ઉઠાવાયા હતા. જે તમામ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવા કલેક્ટરે સૂચનો તથા આદેશ આપ્યા હતા. કાર્યક્રમમાં પંકજભાઈ પરમાર દ્વારા પાલિકા દ્વારા બાંધકામ મંજૂરી માટે છેલ્લા ત્રણ માસ થી ધરમધકકા ખવડાવવામાં આવતા હોવાની રજૂઆત કરી હતી. જે પ્રશ્નને લઈ કલેક્ટરે ત્વરિત કાર્યવાહી કરવાના આશયથી પાલિકા કચેરીની મુલાકાત લીધી હતી. જ્યાં સંબંધિત કર્મચારી તથા અરજદારને સામ સામે લાવી અરજીનો ત્વરિત નિકાલ કરાયો હતો. ઉપરાંત અરજદારોને બાંધકામ કે અન્ય કોઈ કાર્ય માટે ધરમધકકા ન ખવડાવવામાં આવે તેવું સૂચન પણ કર્યું હતું. પાલિકાના નવીન ભવન માટે જૂની સરકારી હોસ્પિટલની જમીન માંગતા ત્યાં સ્થળ તપાસ કરવાના આશયથી મુલાકાત લીધી હતી. જ્યાં દર્દીઓ તેમજ પ્રસૂતાઓ સાથે વાતચીત કરી, સરકારી હોસ્પિટલમાં સફાઈ તેમજ સુવિધાઓ અંગે સંબંધિત કર્મચારીઓને સૂચન તથા આદેશ આપ્યા હતા.
