દાહોદમાં વર્ષોથી ભૂખ્યાના જઠરાગ્નિ ઠારવાનું પૂણ્ય કર્મ સંતકૃપા સત્સંગ સેવા પરિવાર કરી રહ્યો છે. રોજે રોજ વિવિધ સ્થાનો પર જઈને ભોજન પૂરૂ પાડતી આ સેવાભાવી સંસ્થાનુ દેશમાં માત્ર 25 સંસ્થાઓને સન્માનિત કરતા સમૂહ દ્વારા બહુમાન કરાયું છે.

દાહોદમાં સેવાભાવી સંસ્થા સંતકૃપા સત્સંગ સેવા પરિવારની સ્થાપના તા.26 જાન્યુઆરી 2007ના થઈ હતી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ, તદ્દન નિઃશુલ્ક પૂરૂ પાડતી આ સંસ્થા રોજ 900થી વધુ વ્યક્તિઓને સાંજે ભોજન કરાવે છે. દાહોદની સિવિલ હોસ્પિટલ, જે હવે ઝાયડસ હોસ્પિટલથી ઓળખાય છે, ત્યાં સારવાર લેતાં દર્દીઓની સેવામાં રહેતા તેમના પરિવારજનોને રોજ રાત્રે પેટ ભરીને આ સંસ્થા ભોજન કરાવે છે. તેમાંયે સંસ્થાના સ્વયંસેવકો ઉનાળો, ચોમાસુ કે શિયાળામાં સાંજે 7 ના ટકોરે હોસ્પિટલે પહોંચીને તમામને જાતે પીરસીને જમાડે છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ અનાથ, ગરીબો કે અન્ય જરૂરીયાતમંદોને કોઈ પણ જાતના ભેદભાવ વગર રામરોટીના નામે ભોજન કરાવાય છે. શહેરના ખાનગી દવાખાનામાં પણ ગરીબ સ્વજનો માટે મફત ટિફીનસેવા ચાલે છે. સંસ્થાના અગ્રણી રમેશભાઈ ખંડેલવાલ સહિતની સમસ્ત ટીમ દ્વારા સિનિયર સિટીઝન માટે દૈનિક પ્રવૃત્તિ, સમુહ લગ્નોત્સવ, ધાર્મિક કથાઓના આયોજન, ઉનાળામાં રેલવે ટ્રેનોના મુસાફ્રોને ઠંડુ પાણી પીવડાવવા જેવી પ્રવૃત્તિ પણ કરાય છે. કોરોનાકાળમાં તો લાંબો સમય જરૂરતમંદોને ફૂડપેકેટની સેવા આપી હતી. આવી સેવાભાવી સંસ્થાને આરોગ્ય દર્પણ સંસ્થા દ્વારા સન્માનિત કરાઈ છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં અધિક સંસદ સચિવ સૌરભ તિવારી, પૂર્વ સાંસદ એસોસિએશનના સેક્રેટરી પ્રદીપ ગાંધીના હસ્તે સન્માન પત્ર એનાયત કરાયુ હતુ. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી શ્રીપદ નાયક અને MSME નેશનલ બોર્ડના સદસ્યા રશિમ મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.