દાહોદ શહેરમાં સહ પ્રભારી મંત્રીની હાજરીમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં પાલિકાના નગર સેવકોની સંખ્યા જૂજ જણાતાં સહ પ્રભારી મંત્રીએ પણ તેની ગંભીર નોંધ લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


દાહોદ શહેરમાં ભાજપના કાર્યક્રમમાં જનમેદની એકત્ર કરવી એ લોઢાના ચણાં ચાવવા જેવી બાબત હોવાનું કહેવાય છે. જેથી સ્થાનિક નેતાઓ માટે પણ પક્ષનો કાર્યક્રમ હોય તો માથાનો દુઃખાવો બની રહે છે. દાહોદ નગર પાલિકામાં ભાજપાના નગર સેવકો સત્તામાં હોવા છતાં આવા કાર્યક્રમોથી તેઓ દુર રહેતાં હોય તેમ જોવા મળે છે. અપવાદ રૂપે આંગળીના વેઢે ગણી શકાય તેવા મહિલા અને સ્લમ વિસ્તારના નગર સેવકો ઈમાનદારીથી કાર્યક્રમને સફ્ળ બનાવવા પ્રયત્ન કરતા હોવાનું જોવા મળે છે. નગર પાલિકાની ચુંટણીઓ આવે તેના વર્ષ પહેલા નેતાઓ મિટીંગો અને સભા સરઘસોમાં દ્રશ્યમાન થવા માંડે છે, પરંતુ ટિકીટો જાહેર થતાની સાથે જ તેની સંખ્યામાં અધધ કડાકો આવી જાય છે. તેવા સમયે કાર્યકરોને ભાગે જ જવાબદારીઓ આવી પડે છે. ત્યારે હાલમાં જ સહ પ્રભારી મંત્રીની દાહોદ મુલાકાત ટાંણે આવી જ સ્થિતિ જોવા મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જેમાં સહ પ્રભારી મંત્રી પ્રગતિ પથ યાત્રા પછી નગર પાલિકા કચેરી પર પહોંચ્યા અને ફેટો સેશન પણ કરાવ્યુ, પરંતુ પોતે સરકારી અધિકારી હોવાથી તેમણે નગર સેવકોની પુરતી સંખ્યા નહીં હોવાની નોંધ લઈને ટકોર પણ કરી હોવાની માહિતી પક્ષના આંતરિક વર્તુળો દ્વારા પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનિય છે કે હાલમાં પાલિકામાં 36 માંથી 20 જ ભાજપના નગર સેવકો ચુંટાયા છે, પરંતુ જૂજ નગર સેવકોને જ સંગઠનના કાર્યક્રમોમાં રૂચિ હોવાનું કહેવાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: