દાહોદ જિલ્લામાં જુલાઈ માસમાં વાવણી લાયક વરસાદ વરસી જતાં જિલ્લામાં વાવેતરની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી અને 100 % વાવણી કરવામાં આવી છે પરંતુ યુરિયાની અછત વર્તાઈ રહી છે. કારણ કે હાલમાં કૃષિ રાજય મંત્રીના જિલ્લામાં જ તમામ તાલુકામાં જરૂરિયાત કરતાં ઓછો જથ્થો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

દાહોદ જિલ્લામાં 2.40 લાખ હેક્ટર જમીન વાવેતર લાયક છે. હાલ કુલ 2.16 લાખ હેક્ટર આ ઋૃતુમાં વાવણી લાયક છે, દાહોદ જિલ્લાના 80 % ખેડૂતો વરસાદ આધારિત જ ખેતી કરવા જ મજબુર છે, તેને કારણે જ માત્ર ખરીફ્ અને રવી એમ બે જ પાક લઈ શકાય છે. આ વખતે ચોમાસુ મોડુ શરૂ થતાં જીલ્લામાં જગતનો તાત ચિંતિત હતો. પરંતુ છેવટે જુલાઈ માસમાં મેઘ મહેર થતાં ધરતીપુત્રોએ મન મુકીને વાવણી કરી છે. જેમાં જિલ્લાના મુખ્ય ખોરાક અને મુખ્ય પાક મકાઈનું મહત્તમ 1,23,666 હેક્ટરમાં અને રોકડીયા પાક સોયાબીનનું 33,286 હેક્ટરમાં વાવેતર કરાયુ છે. આ ઉપરાંત જિલ્લામાં ડાંગરનું વાવેતર થયુ છે અને શાકભાજી સહિત અન્ય પાક લેવા માટે પણ વાવણી કરવામાં આવી રહી છે. જેથી જિલ્લામાં કુલ 2,05144 લાખ હેક્ટરમાં વાવેતર કરી દેવાયુ છે. બીજી તરફ્ તરફ્ યુરિયાની તીવ્ર અછત હોવાથી ખેડૂતોને ખાતર માટે રોજ ધરમ ધક્કા ખાવા પડે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દરેક તાલુકામાં જેટલો જથ્થો જોઈએ તેના કરતાં યુરિયાનો બહુ જ ઓછો જથ્થો છે. સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે, ઓગષ્ટ મહિનામાં 8500 મેટ્રીક ટન યુરિયાની જરૂરિયાત છે, પરંતુ તેની સામે હાલ 460 ટન જથ્થો આવ્યો છે અને 850 મેટ્રીક ટન જથ્થો ટૂંક સમયમાં આવે તેવી સંભાવના છે, ત્યારે આ હયાત જથ્થો ઊંટના મોઢામાં જીરા બરાબર હોવાનું લાગી રહ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો