સંજેલીના કુંભાર ફળિયા વિસ્તારમાં ગટર લાઈનના અભાવે સ્થાનિક રહીશો અને માસૂમ બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રહેણાંક વિસ્તાર તેમજ આંગણવાડી કેન્દ્રની આસપાસ ઠેર-ઠેર ગંદા પાણીના ભરાવા અને ગંદકીના ઢગલાને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
ગ્રામ પંચાયત તંત્રની નિષ્કાળજીને કારણે આડેધડ બનાવેલી અધૂરી ગટરો લોકો માટે સુવિધાને બદલે દુવિધા બની ગઈ છે. પંચાયત દ્વારા મનફાવે ત્યાં અડધી-અધૂરી ગટરો બનાવી દેવામાં આવી છે, પરંતુ પાણીના નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા કરાઈ નથી. આંગણવાડી કેન્દ્રના બાળકો, રસીકરણ માટે આવતી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. જો વહેલી તકે ગટરના પાણીનો નિકાલ અને રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.










