દાહોદ જિલ્લામાં બાવકા શિવ મંદીર અને સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આ ગૌરવપૂર્ણ સિદ્ધિને દિવાળી પર્વની જેમ કલાત્મક રંગોળી બનાવીને દીપ પ્રજ્વલિત કરી અને રોશની સાથે વધાવાઇ હતી. ભારતના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દીપાવલી તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે, આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી રૂપે દિપાવલીના પર્વમાં જેમ કલાત્મક રંગોળી બનાવાય છે. તે જ રીતે જુદી જુદી રંગોળી બનાવી અને દીપ પ્રજ્વલિત કરી વધામણા કરાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યુનેસ્કોનું 20મું આંતરસરકારી સમિતિનું સત્ર 7-13 ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે આયોજિત થયેલ છે. આ સત્રમાં 180થી વધુ દેશોના 1000થી વધુ પ્રતિનિધિ, સમિતિના સભ્યો, યુનેસ્કો અધિકારીઓ, નિષ્ણાંતો, એનજીઓ અને વારસાગત પરંપરાના ધારકો- ભાગ લઈ રહ્યા છે. ભારત સરકારે 2024-25 માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું હતું. જેને ભારતનું 16મું તત્વ તરીકે દીપાવલી તહેવાર અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે. આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિપીઠ, પુરાતત્વ સાઇટ્સ પર પરંપરાગત દીપાવલી કાર્યક્રમો યોજાયાં હતાં.










