તહેવારોના રાજા તરીકે ગણાતા દિવાળીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. અને દાહોદ સહિત જિલ્લામાં દિવાળી પર્વની તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે બજારોમાં મોંઘવારી અને મંદીની અસર જોવા મળે છે. દાહોદ જિલ્લામાં દિવાળીના પર્વ નિમિત્તે ગ્રાહકોને આકર્ષવા વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની સજાવટો કરાઇ છે. ઠેર-ઠેર તૈયાર કપડા, બુટ, ચંપલ સહિત અને ચીજવસ્તુના સેલ શરૂ થયા છે. તેટલું જ નહીં ઘરો મકાનો ઓફ્સિો દુકાનોની સાફ્-સફાઈની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. કર્મચારીઓને બોનસ પગાર મળવા છતાં દાહોદના બજારમાં ખાસ ઘરાકી જોવા મળતી નથી. મોડી સાંજે પણ બજારોમાં વિશેષ ઘરાકી જણાતી ન હોય બજારમાં મંદી જેવું લાગી રહ્યું છે. દિવાળી તહેવાર આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં ઘરાકી ન નીકળતા વેપારીઓ ભારે નિરાશ થઈ દુકાનમાં કરેલા સ્ટોકની ચિંતા સતાવી રહી છે. બીજી તરફ્ વધતી જતી મોંઘવારીએ મધ્યમ વર્ગના માનવીની કમર તોડી નાખી છે. દરેક વસ્તુઓમાં બેફામ ભાવ વધારો જોવા મળે છે. તેમજ ઓનલાઇન ખરીદીનો ઝોક વધતા વેપારીઓના ધંધા પર અસર જોવા મળે છે. દિવાળીના તહેવાર ગૃહિણી પહેલા ફરસાણ ઘરે બનાવતી હતી. જે હવે બજારમાં તૈયાર મળતા આવા ફરસાણનો ગૃહઉદ્યોગ ઘણો ફલ્યો છે. જો કે દાહોદમાં કેટલીક રેડીમેડ કપડાની દુકાનોમાં ઘરાકી જોવા મળે છે. દાહોદમાં હાલ દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બેવડી ઋતુ ચાલતી હોય ખાંસી, શરદી અને તાવ જેવા રોગના દર્દી વધુ જોવા મળે છે. મોંઘવારી અને મંદી વચ્ચે વિક્રમ સંવત 2082ની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જ્યારે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ જોવા મળી રહી છે. દિવાળી નિમિત્તે સામાન્ય રીતે સગા સંબંધી તેમજ અન્ય વ્યવહારોમાં મીઠાઈ આપવામાં આવે છે. તેના સ્થાને સૂકા મેવા ચલણ વધ્યું છે. અગિયારસના પાવન દિવસથી શરૂ થતા દિવાળી પર ઘર આંગણે રોશની તેમજ રંગોળી દીવડાથી શોભે ઉઠશે. ત્યાર પછી ધનતેરસ અને કાળીચૌદશની તૈયારીમાં લોકો જોતરાઈ જશે. ધનતેરસ નિમિત્તે લક્ષ્મી પૂજન તથા ચોપડાનું પૂજન કરાશે. હાલ દિવાળી પર્વ નજીક હોવા છતાં સંતોષકારક ઘરાકીને અભાવે છેલ્લા દિવસોમાં બજારોમાં ઘરાકી આવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો