સિંગવડ તાલુકામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે . છેલ્લા ત્રણથી ચાર દિવસથી ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી જ કેટલાંક ખાતરની દુકાનો અને ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહી ટોકન લેવાની ફરજ પડી રહી છે. માત્ર બે ત્રણ ડેપોને છોડી અન્ય ડેપો ખાતે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને દિવસભર ખાતરની રાહ જોઈ અંતે વિલા મોઢે ઘરે પરત ફરવાની ફ્રિયાદો ઉઠી છે. ખાતર ડેપો પર ખાતર ઉપલબ્ઘ થાય છે, ત્યાં ખેડૂતોનો ધસારો વધી જતાં વ્યવસ્થા ખોરવાય જાય છે. ત્યારે ખેડૂતોને ખાતર મળી રહે તે માટે ફરજિયાત ટોકન વહેંચણી કરાતી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ટોકનની લાઈન તેમજ ખાતર લેવા માટેની લાઈનમાં ખેડૂતોને પડવું ફરજિયાત થયું છે. સિંગવડ તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા 18 એજન્સીઓની નિમણૂક કરાઈ છે. છતાં અપૂરતી પુરવઠા વ્યવસ્થાના કારણે હાલમાં માત્ર બે-ત્રણ દુકાનો પર થી ખાતરનું વિતરણ થતું હોવાની ફ્રિયાદ ખેડૂતો કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો