સંજેલી તાલુકામાં કાળીયા ડોકી સિંચાઈ તળાવમાંથી ભમેલા ટીસાના મુવાડા સંજેલી, પ્રતાપપુરા, ચમારીયા ગામોમાં ખેડૂતોને નહેર દ્વારા શિયાળા પાક માટે પાણી આપવામાં આવે છે. વર્ષો જુની નહેરમાં ચારેકોર ઊગી નીકળેલા ઝાડી ઝાંખરાઓ અને તેમાં પણ ઠેર ઠેર ગાબડા પડી જવાને કારણે ખેડૂતોના ખેતરોમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતા નથી. પાણીની ઓછી સપાટીને કારણે ખેડૂતોને ખેતરમાં પાણી મૂકવા માટે સમયનો બગાડ કરવો પડે છે, છતાં પણ પૂરતા પ્રમાણમાં ખેતરમાં પાણી પહોંચતા નથી, જેથી શિયાળુ પાક પણ બગડી જતો હોય છે. શિયાળું ખેતીનો સમય થઈ ગયો છે, ખેડૂતો દ્વારા ઘઉં, મકાઈ, ચણા, અરેંડીનું વાવેતર કરી દેવાયું છે, પરંતુ પાણી છોડવાના સમયે નાની સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ્-સફાઈની કામગીરી હાથ ધરાઈ નથી. વર્ષો જૂની નહેર ચારેબાજુ તૂટેલી હોવાથી તંત્ર દ્વારા ગત વર્ષે નહેરની મરામત અને મેન્ટેનન્સ કરવાને બદલે જેસીબીથી સફાઈની કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો. નહેર પરના ઝાડી ઝાખરા દૂર કરાયા છે, જેના કારણે નહેર ચારે બાજુથી તૂટેલી જોવા મળે છે. જો કે, નહેરની યોગ્ય સફાઈ પણ કરાતી નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, ક્યાંક ઝાડી ઝાંખરાના કારણે નહેર જોવા પણ મળતી નથી, અને ક્યાંક તળિયામાં માટીના થર જોવા મળે છે. તંત્ર દ્વારા આ વર્ષે નહેરની સફાઈ અને સમારકામની કામગીરી કરાઈ નથી. જેથી ખેડૂતોને ચોમાસુ બાદ શિયાળુ પાક પણ બગડવાની ચિંતા સતાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો