સિંગવડ : દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિતેલા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે કબૂતરી નદીમાં પૂર આવ્યું હતું. બપોરે 4 વાગ્યા સુધી તાલુકામાં કુલ 128 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે કબૂતરી ડેમમાં 42 ટકા પાણીની આવક નોંધાતા જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદી બે કાંઠે વહેતા નદી પરથી પસાર થતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે સુડિયા, વડાપીપળા, ઝામરી, કાળિયારાય, કરમાદી, અનોપપુરા, બરોડા, માતાના પાલ્લા, નાની મંડેર અને મોટી મંડેર સહિતના અનેક ગામોનો સંપર્ક અસ્થાયી રીતે ખોરવાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રણધીકપુર પોલીસ દ્વારા સિંગવડ નગરમાંથી નદી તરફ્ જતા તમામ માર્ગો પર બેરિકેડ ગોઠવી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને કોઈપણ વ્યક્તિને પાણીમાંથી પસાર થવા દેવામાં આવતી નથી. લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ નદી અને પુલથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
