ઝાલોદમાં GIDC બાદ હવે રેલવેના સર્વે સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકાના પંચકૃષ્ણ મંદિર ખાતે મળેલી બેઠકમાં થેરકા અને રૂંડી ગામના ખેડૂતોએ ઊમટી પડયા હતાં, તેમજ જો ખેતીની જમીનો છીનવાશે તો, આત્મવિલોપન અને ઉપવાસ આંદોલનની ચેતવણી આપી હતી.
ઝાલોદ તાલુકામાં અગાઉ GIDC જેવા મોટા પ્રોજેક્ટ્સ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો, તેવા સંજોગોમાં હવે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે દ્વારા થેરકા અને રૂંડી હડમતની આસપાસના ગામોમાં રેલવે લાઇનનું સર્વે શરૂ કરાતા ખેડૂતોમાં રોષની આગ વધુ ભડકી ઉઠી છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે વારંવારના વિકાસના પ્રોજેક્ટ્સના નામે તેમની ઉપજાઉ જમીનો છીનવાઈ રહી છે, જેને તેઓ ક્યારેય સાંખી લેશે નહીં. સ્થાનિક પંચકૃષ્ણ મંદિર ખાતે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ એકસૂરે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ કોઈપણ ભોગે રેલવે માટે પોતાની જમીન આપવા તૈયાર નથી. તંત્ર દ્વારા તાત્કાલિક આ સર્વે રદ કરવામાં ન આવે તો આગામી દિવસોમાં ગ્રામીણ કક્ષાએથી ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને આંદોલન છેડવામાં આવશે. ખાસ કરીને ચોમાસાની મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી લોકઆંદોલન કરવા આહવાન કરતા આગામી સમયમાં વહીવટી તંત્ર અને સરકાર માટે આ એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
