દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત ગોગો પેપર, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો આશરે રૂ. 90,000 થી વધુનો જથ્થો જપ્ત કરી છ શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. યુવા અને સગીર વયના બાળકોમાં વધતી નશાની પ્રવૃત્તિ ડામવા ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ દાહોદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય સરકાર દ્વારા નશા સહાયક સામગ્રી ગોગો પેપર અને સ્મોકિંગ કોન જેવી સામગ્રી ઉપર પ્રતિબંધ મુકવા સાથે જ દાહોદમાં બસ સ્ટેશન રોડ, શિવાજી સર્કલ, યાદગાર ચોક અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાન પાર્લર અને ચા સહિતની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સૌથી મોટી કાર્યવાહી યાદગાર ચોક પાસેની વિષ્ણુ ટ્રેડર્સમાં કરવામાં આવી હતી. જ્યાંથી રૂ. 58,000ની કિંમતના રોલિંગ પેપર અને વિવિધ સ્મોકિંગ કોન મળી કુલ રૂ. 78,960નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત શિવ પાન પેલેસ, ઝુલેલાલ પાન કોર્નર, મી ચાય સુટ્ટા અને રીફ્રેશ પાન પોઈન્ટ જેવા એકમો પરથી પણ પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી પકડાઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસે રમેશ રાવલ, ગુલશન ભોજવાણી, ભરત પ્રીતમાણી, અનિશ ભામી, અનિલ પરમાર અને રાજેશભાઇ નામક વેપારી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરતાં ખળભળાટમચી ગયો હતો. ગોગો પેપર અને સ્મોકિંગ કોનનો ઉપયોગ મુખ્યત્વે ગાંજો, તમાકુ અથવા અન્ય નશીલા પદાર્થોને વીંટાળીને સિગારેટની જેમ પીવા માટે કરવામાં આવે છેસાધનો નશાકારક દ્રવ્યોના ધુમાડાને ફેફ્સાં સુધી ખેંચવામાં મદદરૂપ થાય છે. જેના કારણે યુવા પેઢીમાં તે નશો કરવાના એક માધ્યમ તરીકે પ્રચલિત બન્યા છે.










