ગરબાડા તાલુકાના દેવધા ગામે જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તે પહેલાં તેમણે ગરબાડા પોલીસ મથકની વાર્ષિક તપાસણી કરી પોલીસ મથકની કામગીરી તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
દેવધા ગામે જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે મુલાકાત લીધી હતી, જે દરમિયાન ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો સાથે જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ વિવિધ સમસ્યાઓ નલ સે જલ યોજના હેઠળ પાણી નહીં મળતું હોવાની, વીજળીની સમસ્યા, પશુ સારવારની સુવિધા, રસ્તાઓની સ્થિતિ તેમજ અન્ય પાયાની સુવિધાઓ અંગે રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ સૌથી વધુ રજૂઆત ગામની કેનાલની લાંબા સમયથી સફઈ નહીં થતાં ખેતી માટે જરૂરી પાણી મળતું નહીં હોવાની કરી હતી. કલેક્ટરે ગ્રામજનોની તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનો ઝડપી અને અસર થી નિકાલ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી મિલિંદ દવે, ગરબાડા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, ગરબાડા પોલીસ મથકના પીઆઈ, બ્લોક હેલ્થ ઓફ્સિર ડૉ. અવિનાશ ડામોર, સીડીપીઓ મેહાબેન, પશુ ચિકિત્સક અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન દેહદા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
