લીમખેડા વિધાનસભા મતવિસ્તારના લીમખેડા તાલુકામાં માર્ગ વિકાસને વેગ આપવા માટે આજે મંગળવારે તા.27ના રોજ વિવિધ માર્ગોના નવીનીકરણ, રીસરફેસિંગ તથા નવા બ્રિજના કામોના ખાતમુહૂર્તનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર ની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ વિકાસકાર્યોનો પ્રારંભ કરાયો છે.

પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સવારે દાંતીયા હાઈવેથી બાજીપુરા ફ્ળિયા રોડના નવા ડામરકામ, જેસાવાડા-ચીલાકોટા રોડ પર નવા બ્રિજના કામ તથા માર્ગના રીસરફેસિંગ અને ચીલાકોટા ડાંગી ફ્ળિયા રોડના રીસરફેસિંગના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત બપોરે કથોલિયા ખામણીયા ફ્ળિયા સી.સી. રોડ, કંબોઈ પોલીસમથકથી નિશાળ ફ્ળિયા રોડ, ખીરખાઈ દેવધી હાઈસ્કૂલથી દેવધા ડુંગર ફ્ળિયા રોડ તથા ખીરખાઈ બી.ટી. રોડથી કુણધા, હરિપુરા સ્કૂલ રોડના રીસરફેસિંગનાં કામોનું ખાતમુહૂર્ત યોજાયુ હતું.

કાર્યક્રમના અંતિમ તબક્કામાં સાંજે મંગલ મહુડી-ખીરખાઈ-નિનામાના ખામરીયા-અગારા રોડ પર નવા બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નિનામાના ખામરીયા ખાતે જાહેર સભા પણ યોજાઈ હતી. આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર વધુ સુગમ બનશે, વિદ્યાર્થીઓ અને નાગરિકોને અવરજવરમાં સરળતા મળશે તથા સ્થાનિક વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન મળશે. આ વિકાસ લક્ષી કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ નરવતભાઈ ડાંગી, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચ સહીત મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો