દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા વાણીયા ઘાટી ગામે ડાભી ફ્ળિયામાં આવેલા 25 ફૂટ જેટલા ઊંડા નવા કૂવામાં ગત રાત્રિના સમયે દીપડો ખાબક્યો હતો. જેની જાણ થતાં સંજેલી વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સામાજીક સંસ્થાની મદદથી દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું. સંજેલી તાલુકાના વાણીયા ઘાટી જંગલ નજીક આવેલા નવા બનેલા 25 ફૂટ ઊંડા કૂવામાં ગઈ કાલે રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલો દીપડો અંધારામાં ખાબક્યો હતો. જે વાત વાયુ વેગે ફેલાતા ગામના લોકો કૂવામાં પડી ગયેલા દીપડા ને જોવા માટે ઉમટી પડયા હતા. આ અંગેની જાણ થતાં સંજેલી રેન્જ અધિકારી સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. તેમજ કર્મચારીઓને કુવાની પાસે વોચમાં ગોઠવી દેવાઈ હતી. સાથે વન અધિકારી દ્વારા કૂવામાં પડેલા દીપડા માટે ખોરાકની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક તરફ્ વન વિભાગના અધિકારીઓ ની હડતાળ ચાલી રહી છે, ત્યારે વન કર્મચારીઓ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ સ્થાનિક સામાજિક સંસ્થાની મદદથી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો