દેવગઢબારીઆ તાલુકાના હિંદોલિયા ગામે જંગલ વિસ્તારમાંથી ટ્રકમાં મકાઈના દાણા ભરેલા થેલા નીચે સંતાડીને લઈ જવાતો રૂા.35 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
દાહોદ જિલ્લા એસઓજી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે હિંદોલીયા ગામેના જંગલ વિસ્તારમાંથી એક ટ્રકમાં મકાઈના દાણાના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે, જે ટ્રક લીમખેડા થઈ પંચેલાથી હિંદોલિયા તરફ જઈ રહી છે, જે બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમીવાળી ટ્રકનો પીછો કરી હિંદોલિયા ગામના જંગલ વિસ્તારમાં ટ્રકને આંતરી લીધી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાંથી મકાઈના દાણાના થેલા નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ રૂા.35,52,864નો વિદેશી દારૂનો જથ્થો તથા મકાઈના 60 થેલા અને ટ્રક મળી કુલ રૂા.50,82,864નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે પીછો કરતા ટ્રકનો ચાલક ટ્રક સ્થળ પર મૂકીના નાસી જતાં તેને વોન્ટેડ જાહેર કરી આ બાબતે એલસીબી પોલીસે દેવગઢબારીઆ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










