દેવગઢબારીયા તાલુકામાં ચાલુ વર્ષે ખેડૂતો પર કુદરતનો બેવડો માર પડયો છે. એક તરફ્ ઓછા વરસાદને કારણે ચોમાસુ પાકને નુકસાન થયું, તો બીજી તરફ્ પાક તૈયાર થવાના સમયે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. હવે ચોમાસુ પાકમાં નુકસાન સહન કર્યા બાદ ખેડૂતો શિયાળુ વાવેતરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ તેમની સામે સૌથી મોટો પ્રશ્ન સિંચાઈના પાણીનો ઊભો થયો છે. તાલુકાના ખેડૂતોએ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશા સાથે મકાઈ, મગફ્ળી, કપાસ, સોયાબીન અને ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઉભા પાક પર તેની વિપરીત અસર જોવા મળી હતી. લાંબા સમય સુધી વરસાદ નહીં થતા અનેક ખેતરોમાં પાક સૂકાવા લાગ્યો હતો. કેટલાક ખેડૂતોનો પાક તો શરૂઆતના તબક્કામાં જ નિષ્ફ્ળ જવાની સ્થિતિમાં આવ્યો હતો. જે ખેડૂતો પાસે કૂવા કે બોરમાં થોડું ઘણું પાણી ઉપલબ્ધ હતું. તેમણે મોંઘા ખર્ચે ડીઝલ અને મોટર દ્વારા પાણી આપીને પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની બચત ખર્ચીને અને જરૂર પડયે દેવું કરીને પણ ખેડૂતોએ ઉભા પાકને જીવંત રાખવા મહેનત કરી હતી. ખેડૂતોની માંગણી છે કે, તેમને સરકાર પાસે કોઈ મોટી અપેક્ષા નથી. પણ સમયસર સિંચાઈનું પાણી મળે, ખેતી માટે જરૂરી સામગ્રી વાજબી ભાવે મળે અને મહેનતથી તૈયાર કરેલા પાકનો યોગ્ય ભાવ મળે તો ખેડૂત પોતાની ખેતી સારી રીતે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, દેવગઢબારીઆ તાલુકાના તળાવોમાં ઉદવહન સિંચાઈ યોજનાનું પાણી જો છોડાય તો, તળાવોમાં પાણી ભરાતા કૂવા અને બોરના પાણીનું સ્તર ઊંચું આવી શકે. તેમજ ખેડૂતો શિયાળુ પાક પકવી શકે તેમ છે.
