દેવગઢબારીઆ તાલુકાના દુધીયા-લવરીયા ગામને જોડતા ઉજ્જવળ નદી પર રૂા.18 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાના કામનું આજે સાંસદ અને સ્થાનિક ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. દેવગઢબારીઆ તાલુકાના દુધીયા-લવરીયા ગામને જોડતો વર્ષો જુનો ઉજ્જવળ નદી પરનો પુલ છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત થતાં ગત ચોમાસામાં ભારે વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરાયો હતો. જે બાદ નદી પર નવો પુલ બનાવવા માટે સ્થાનિક આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઈ ધારાસભ્ય બચુભાઈ ખાબડે રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં આખરે સરકારે રૂા.18 કરોડના ખર્ચે નવા પૂલને મંજૂરી આપી ગ્રાન્ટ ફાળવી હતી. જે બાદ આજે ઉજ્જવળ નદી ઉપર નવીન પુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દેવગઢબારીઆના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા અને જિલ્લા સદસ્યો, આજુબાજુના ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દુધિયા - લવારીયા ગામને જોડતો આ પુલ દાહોદ અને પંચમહાલ જિલ્લાને જોડતી સાંકળ હતી, જે તૂટી જતા સ્થાનિક રહેવાસીઓને અનેક હાલાકી વેઠવી પડે તેમ છે. જેથી પુલના નિર્માણ દરમિયાન ડાયવર્ઝન બનાવાયું છે, પરંતુ આ ડાયવર્ઝન પુલના સ્થળથી લગભગ અઢી કિ.મી. દૂર બનાવાયું હોઈ વાહનચલકોને અંદાજિત પાંચ કિ.મી.નો ફેરો થાય છે, જેને કારણે લોકોનો સમય અને નાણાંનો વ્યય થાય છે. તેમજ રાત્રી સમયે ચોરી અથવા લૂંટફાટના બનાવોની પણ શક્યતા સેવાઈ રહી છે. જેને પગલે પુલની નજીકમાં ડાયવર્ઝન બનાવવા માગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો