દેવગઢબારીઆ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકારની નલ સે જલ યોજના મંજુર કરાઈ હતી. જે માટે કેટલીય ખાનગી એજન્સીઓ દ્વારા કામગીરી કરાઈ હતી. પરંતુ આજદિન સુધી કોઈ ગામમાં આ નલ સે જલ યોજનાનું પાણી નહીં પહોંચતાં ગ્રામજનોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે.
દેવગઢબારીઆ તાલુકાના દરેક ગામમાં પાણી સમિતિ બનાવી સરપંચ તથા તલાટીની સીધી દેખરેખ હેઠળ નલસે જલ યોજનાનું અમલીકરણ કરવાનું હતું, પરંતુ જિલ્લા પાણીપુવઠા વિભાગ દ્વારા દરેક ગ્રામ પંચાયતોના કામ અલગ અલગ વિસ્તારમાં ખાનગી એજન્સીઓને આપવામાં આવ્યું હતું. જે એજન્સીઓએ ગામોમાં દેખાવ પૂરતુ કામ કરી અધૂરી કામગીરી છોડી દીધી હતી. જેને કારણે એકપણ ગામમાં યોજના પૂર્ણ થઈ નથી છતાં, જે તે પંચાયતના તલાટી અથવા વહીવટદાર તથા સરપંચે ગામમાં તમામ ઘરોમાં પીવાનું પાણી પહોંચતું થઈ ગયું હોવાના ખોટા અભિપ્રાય આપીને ગ્રામપંચાયત કચેરીમાંથી નાણા ફાળવી દઈ સરકારને ચુનો ચોપડયો હોવાની ફરિયાદો ઉઠી છે. મોટાભાગની ગ્રામપંચાયત દ્વારા આ નલ સે જલ યોજનાની કામગીરીનું કમ્પ્લિશન સર્ટિફ્કિેટ પણ આપી દેવાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.










