દેવગઢબારીઆ શહેરના માનસરોવર તળાવમાં ત્રણ યુવાનો ડૂબી જતાં તેમને રેસ્ક્યુ કરવાની ઘટનાની તંત્ર અને એનડીઆરએફ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીઆ શહેરના માનસરોવર તળાવમાં નાહવા ગયેલા ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા કાંઠે તેમજ તળાવના બેટ ઉપર બેઠેલા લોકોએ બચાવ માટેની બૂમો સાંભળી તુરત 112 પર જાણ કરતાં 108 મોબાઈલ તેમજ પાલિકાની ફાયર ટીમ સાથે એનડીઆરએફ્ ટીમ માનસરોવર તળાવ ખાતે દોડી આવી હતી. તેમજ તળાવમાં ડૂબી રહેલા ત્રણ યુવાનોને એનડીઆરએફ્ ટીમના જવાનોએ લાઈફ્ જેકેટ તેમજ બીજા અન્ય સાધનો સાથે બોટની મદદથી ઊંડા પાણીમાંથી હેમખેમ બહાર કાઢયા હતા. ત્રણેય યુવાનોને 108 એમ્બયુલન્સ મારફ્તે દેવગઢબારીઆની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં લોકો પણ તળાવ કાંઠે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના તંત્રની મોકડ્રીલ હોવાનું જાણતાં લોકોએ હાશકારો લીધો હતો. આ મોકડ્રીલમાં મામલતદાર સમીર પટેલ, ડિઝાસ્ટર મામલતદાર, એનડીઆરએફ્ ટીમ, પાલિકા ફાયર ટીમ, પોલીસ તંત્ર સહિત લોકો હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો