દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગોવિંદગુરુ લીમડી પંથકમાં રણીયાર સરકારી (કણબી) ગામે તાજેતરમાં જ કરોડોના ખર્ચે તૈયાર થયેલા ડામર અને સી.સી. રોડ પરથી બેજવાબદારીપૂર્વક હિટાચી મશીન પસાર કરી રસ્તાને ભારે નુકસાન પહોંચાડયું છે. આ મામલે ગ્રામ પંચાયતે માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગને લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.3 જુલાઈના રોજ સાંજે 7:00 વાગ્યાના સુમારે રણીયાર સરકારી ગામના રહેવાસી ભાભોર બાબુભાઈ સોમજીભાઈએ ખેતીના કામ અર્થે હિટાચી મશીન મંગાવ્યું હતું. આ મશીનના ચાલકે બે કિમી લાંબા ડામર રોડ પર ચેઈન વાળું મશીન દોડાવતા રસ્તા પર ઊંડા ચીરા અને ગાબડા પડી ગયા છે. ખાસ વાત એ છે કે, આ રોડ ચાર-પાંચ મહિના અગાઉ જ નવનિર્મિત કરાયો હતો. ગ્રામ પંચાયતની ફરિયાદ મુજબ, માત્ર ડામર રોડ જ નહીં, પરંતુ માછણનાળા જળાશયના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા નવનિર્મિત સી.સી. રોડને પણ મશીન દ્વારા ભારે ક્ષતિ પહોંચાડી છે. રણીયાર સરકારી ગ્રામ પંચાયતે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તથા સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે કે, આ ઘટનામાં મશીનના માલિક, ડ્રાઈવર અને મશીન મંગાવનાર ઈસમની ત્રિપુટી સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે, સાથે નુકસાન થયેલા રસ્તાનું સમારકામ જે-તે વ્યક્તિ પાસે જ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.