ગરબાડા નગરથી માત્ર દોઢ કિલોમીટર દૂર આવેલ સીમલીયા બુઝર્ગ ગામ આવેલું છે, અહીંયાના લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સરકાર કહે છે કે “ગામડા સુધી સરકારની દરેક યોજના પહોંચાડી છે, નલ-સે-જલથી દરેક ઘરમાં પાણી પહોંચાડ્યું છે.”પરંતુ અહીંની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
જયાં નળ મૂકાયા છે ત્યાં પાણી નથી આવતું
અહીંના લોકો માટે પીવાનું પાણી મેળવવું માનવીય સંઘર્ષ જેવું બની ગયું છે. માળ ફળિયાના લોકો માટે તો સ્થિતિ વધુ દયનીય છે. તેમને દરરોજ તળાવના પાણીમાં થઈને લગભગ 100 મીટર અંદર આવેલા એકમાત્ર કુવા સુધી પહોંચવું પડે છે. પીવાનું પાણી મેળવવા માટે લોકો તળાવમાંથી પસાર થાય છે! સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નલ-સે-જલ યોજના અહીં અમલમાં મુકાઈ છે. અમુક વિસ્તારોમાં નળો નાખવામાં આવ્યા છે, પરંતુ બીજા વિસ્તારોમાં તો નળો આજે પણ મૂકાયા જ નથી અને જ્યાં નળો મૂકાયા છે, ત્યાં પાણી આવી રહ્યું નથી.
નળો આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે
નલ-સે-જલ યોજના અંતર્ગત જેના માટે કરોડોનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, તે કામોમાં ફક્ત વેઠ જ ઉતારવામાં આવી છે. જ્યારે એજન્સી દ્રારા 70% કામ પૂરું થયું હોવાનું દાવો કરવામા આવે છે, પરંતુ વાસ્તવિકતા ગામની હાલતમાં સ્પષ્ટ દેખાય છે.









