ઇન્દોર થી અમદાવાદ તરફ આવી રહેલી મધ્યપ્રદેશ પરિવહનની બસને દાહોદ તાલુકાના જાલત ગામ નજીક હોટલ અવંતિકા પાસે ટ્રકે ટક્કર મારતા બસ પલટી ખાઈ ઘસડાઈ હતી. જેમાં એક મુસાફર નું મોત નિપજ્યું હતું. જ્યારે 17 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇન્દોરથી અમદાવાદ તરફ આવી રહેલી મધ્યપ્રદેશ પરિવહનની લક્ઝરી બસ દાહોદ તાલુકાના જાલત નજીક હોટલ અવંતિકા હોટલ પાસે વહેલી સવારના ટર્ન લઈ રહી હતી, એ દરમિયાન પાછળથી આવી રહેલી એક ટ્રકે અચાનક ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ પલટી મારી રોડ પર ઘસડાઈ હતી, એના કારણે સ્થળ પર જ અફરાતફરી મચી ગઈ હતી.અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરો સીટ પરથી ફ્ગોળાઈ ગયા હતા. બસ પલટી જતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ટ્રકની ટક્કરથી બસના એક ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં બસમાં સવાર મુસાફર કદમભાઈ સિંગરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અંદાજે 17 જેટલા મુસાફરોને ગંભીર તેમજ સામાન્ય ઇજાઓ પહોંચી હતી.. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યાર બાદ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.અકસ્માતની માહિતી મળતાંની સાથે જ દાહોદ પોલીસનો કાફ્લો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર ટ્રાફ્કિ નિયંત્રણમાં લઈ માર્ગ પર જામ ના સર્જાય એ માટે વ્યવસ્થા ગોઠવી હતી તેમજ ટ્રક અને બસને રસ્તા પરથી દૂર કરી હાઇવે ફરી શરૂ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બસ ટર્ન લેતી વખતે પાછળથી ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 17 જેટલા મુસાફરો હાલ સારવાર હેઠળ છે. દાહોદ DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે ઇન્દોરથી અમદાવાદ જતી લક્ઝરી બસને અવંતિકા હોટલ પાસે ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લક્ઝરી પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે, બાકી કેટલાકને ઇજાઓ પહોંચતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક બાળકની હાલત થોડી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના લોકોની સ્થિતિ સારી છે. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










