ઝાલોદ તાલુકાના ઠુંઠી - કંકાસિયા રોડ પર મુનખોસલાના હોળી પીપળા ફ્ળિયા પાસેથી સાબરકાંઠા જિલ્લાના પાસિંગની એમ્બ્યુલન્સમાં રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો રૂા.86 લાખ ઉપરાંતનો 575 કિલોનો અફીણના જીંડવાનો જથ્થો પોલીસે ઝડપી પાડી રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી હતી.

આજે સોમવારે ઝાલોદ પોલીસની ટીમ મુનખોસલાના હોળી પીપળા ફ્ળિયામાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે રાજસ્થાનથી ઝાલોદ તરફ્ જઈ રહેલી એક સાબરકાંઠા જિલ્લાના પાસિંગની એમ્બ્યુલન્સ શંકાસ્પદ જણાતાં પોલીસે તેને ઊભી રખાવી તેના ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ભવરારામ રેખારામ જાટ હોવાનુ અને પોતે રાજસ્થાના બાડમેર જિલ્લાના બાવડીકલા ગામનો રહેવાસી હોવાનુ જણાવ્યું હતું. પોલીસે એમ્બ્યુલન્સની તલાશી લેતાં તેમાંથી સફેદ રંગની બોરીઓ મળી આવતાં પોલીસની શંકા વધુ મજબુત બની હતી. પોલીસે આ 29 બોરીઓની તપાસ કરતાં તેમાં અફ્ીણના જીંડવા મળી આવ્યા હતા. પોલીસે તમામ બોરીઓ કબજે કરી તેનું વજન કરતાં તે 575 કિલો અને તેની કુલ કિંમત રૂા.86 લાખ ઉપરાંત હોવાનું જણાયું હતું.

પોલીસે એમ્બ્યુલન્સ સાથે કુલ રૂા.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એમ્બ્યુલન્સના ચાલકની પુછતાછ કરતાં આ અફીણના જીંડવા મધ્યપ્રદેશના મંદસોરથી રાજસ્થાન તરફ્ લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દામાલ મધ્યપ્રદેશથી રાજસ્થાન વાયા ઝાલોદ થઈને લઈ જવાતાં ડ્રગ્સ સિન્ડિકેટનો હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ રીતે દાહોદ જિલ્લામાંથી અફીણનો જથ્થો ઝડપાવાના બનાવો બન્યા હતાં, ત્યારે પોલીસે સતર્કતા વધારી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો