લીમખેડાના વટેડા ગામ પાસે નેશનલ હાઈવે પર વટેડા ગામ પાસે વિજય હોટલ નજીક ગઈકાલે રાત્રિના ઇકો કારના ચાલકે બાઈક સવાર દંપતીને જોરદાર ટક્કર મારતાં સગર્ભા પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું, જ્યારે પતિ અને અઢી વર્ષની માસૂમ બાળકીને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટયો હતો, પરંતુ લીમખેડા પોલીસના ડી-સ્ટાફે કારને ભથવાડા ટોલ નાકા પર ઝડપી લીધી હતી.
અંધારી ગામે રહેતા કલ્પેશભાઈ બારીયા તેમની સગર્ભા પત્ની અંજનાબેન (ઉં.વ.24) અને અઢી વર્ષની પુત્રી દિવ્યાંશી સાથે બાઈક પર ગઈકાલે સાસરીમાં દાભડા ગામે ગયા હતા, જ્યાંથી રાત્રિના આઠેક વાગ્યાના સુમારે પરત ઘરે આવતાં હતાં, ત્યારે નેશનલ હાઈવે પર અકસ્માત ઝોન તરીકે જાણીતા વિજય હોટલ ચોકડી નજીકથી પસાર થતાં સમયે તેમની પુત્રીને ઊલટી જેવું થતાં તેઓ બાઈક સાઈડ પર ઊભી રાખવા જતા હતાં, ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એક ઇકો કારના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર ત્રણેય રોડ પર ફંગોળાયા હતાં. જેમાં પત્ની અંજનાબેનનું સ્થળ પર મોત નિપજ્યું હતું, જ્યારે કલ્પેશભાઈ તથા પુત્રીને ઈજા થતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. અકસ્માત બાદ નાસી ગયેલા કાર ચાલકને લીમખેડાનાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહે ભથવાડા ટોલનાક પરથી આંતરી ઝડપી લીધો હતો.










