દેવગઢબારીઆ નગરપાલિકા સભાખંડમાં આજે પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ થયેલા છ સભ્યોના કારણે બાકી રહેલા 18 સભ્યો પૈકી 17 સભ્યો હાજર રહ્યા હતાં. એક અપક્ષ સભ્ય ગૌરાંગ પંડયા ગેરહાજર રહ્યા હતાં.
દેવગઢબારીઆ નગર પાલિકાની નવી બોડીને 15 મહિના પૂર્ણ થયા બાદ આજે પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ધર્મેશ કલાલના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ વિકાસના કાર્યો કારોબારી સમિતિના ઠરાવોને બહાલ કરવા, વિવિધ ટેન્ડરોના ભાવ મંજુર કરવા, રાજમાતા ઉર્વશીદેવીની અરજી બાબત તથા ભૂતપુર્વ કારોબારી ચેરમેન નિધિબેન જૈન સભ્ય તરીકે સસ્પેન્ડ થયેલા હોવાથી કારોબારી સમિતિ અંગેના નિર્ણયો લેવા બાબતની સત્તા પ્રમુખને આપવા જેવા વિવિધ મુદ્દાઓ સર્વ સંમતિથી મંજુર કરાયા હતાં. વોર્ડ-6ના મહિલા સભ્ય પદ્મિનીબેન સોનીએ તેમના વોર્ડના ગટર, પાણી, રસ્તા તથા સફઈના મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. સામાન્ય સભા શરૂ થતા પહેલા છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવતાં 13 મહિલા સફઈ કાર્યકરોને નવા કોન્ટ્રાકટરે છૂટા કરી દેતા, છુટા કરાયેલા કર્મચારીઓએ ઉગ્ર રજુઆતો કરી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ તમામ કર્મચારીઓને કેટલીક શરતોને આધિન ફરીથી કામે લેવામાં આવ્યા હતા.










