દાહોદમાં સ્માર્ટ સીટીનુ સાઈન બોર્ડ પડતાં ત્રણ હતભાગીઓના મોત નીપજયા છે. આ ભારેખમ બોર્ડ તકલાદી રીતે લગાવાયુ હોવાનુ જણાય છે, ત્યારે હવે તપાસના ઘોડા દોડાવાશે પરંતુ શહેરમાં આ સાઇન બોર્ડ પ્રોજેક્ટમાં રૂા.6 કરોડથી વધુનું આંધણ કરવામાં આવ્યુ હોવાનુ કહેવાય છે. દાહોદમાં બે દિવસ પહેલા આવેલા વાવાઝોડામાં શહેરના ગરબાડા રોડ પર લગાવેલા સમીર સીટીનું મહાકાય બોર્ડ ધરાશાયી થતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજયુ હતુ જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તના સારવાર દરમિયાન મોત નીપજતા સ્માર્ટ સીટીના સાઇન બોર્ડ પ્રોજેક્ટની પોલ ખુલી ગઈ હતી.આ બોર્ડ લગાવેલુ હતુ તેના પાયામાં કેવા અને કેટલા મજબૂત બોલ્ટ લગાવાયા હતા તે સ્પષ્ટ દેખાય છે અને જે તે એજનસી બોર્ડ લગાવીને છુટી થઈ હતી અને મેન્ટેનન્સના નામે મીંડુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.ત્યારે કલેક્ટર અને સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન થર્ડ પાર્ટી તપાસ કરાવવાનુ જણાવી રહ્યા છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે તે સમયે સ્માર્ટ સીટીમાં સાઇન બોર્ડ લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે સ્માર્ટ સીટી કંપનીના જવાબદાર સદસ્યોએ આ મામલે કશું જોયુ જ નહી હોય કે આટલા બોર્ડ લગાવ્યા પછી તેના મેન્ટેનન્સ નું શુ કરવાનુ ઉપરાંત કેટલા અંતરે કેટલા વજન ધરાવતા બોર્ડ લગાવ્યા છે. કારણ કે સ્માર્ટ સીટી દાહોદમાં સાઇન બોર્ડ પ્રોજેક્ટ હવે તો નિષ્ફ્ળની સાથે જીવલેણ પણ સાબિત થઈ ચુક્યો છે.કારણ કે જે તે સમયે 6 કરોડના ખર્ચે આડેધડ સાઇન બોર્ડ લગાવી દેવાયા હતા અને ત્યારે સ્માર્ટ રોડ બન્યા પણ ન હતા.માત્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાના હેતુથી લગાવાયેલા બોર્ડ દબાણ હટાવ ઝુંબેશ અને સ્માર્ટ રોડના કામ વખતે નેસ્ત નાબુદ કરી દેવાતાં કરોડો રૂ પાણીમાં ગયા છે અને સ્માર્ટ સીટીના શિલ્પીઓ આ તમાશો ચુપચાપ જોયા કર્યા તે પુરવાર થાય છે.જો સ્માર્ટ સીટીના સાઇન બોર્ડ પ્રોજેક્ટની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાંઆવે તો ઘણાંના ચહેરા પરથી સાઇન ઉડી જાય તેવો પર્દાફશ થઈ શકે છે.

Lunawada: બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ









