સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગ, સિંગવડ મામલતદાર કચેરી અને રણધીકપુર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ક્વાર્ટઝ ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાના મામલે ખનીજ ભરેલી કુલ પાંચ ટ્રકો તથા એક જેસીબી મશીન સીઝ કરવામાં આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ, ચુંદડી ગામે ખનીજના બિનઅધિકૃત ખનન અને વહન અંગેની બાતમીના આધારે સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સફેદ પથ્થર એટલે કે ક્વાર્ટઝ ખનીજ ભરેલી પાંચ ટ્રકો અને ખનન કામગીરીમાં ઉપયોગમાં લેવાતું એક જેસીબી મશીન મળી આવતાં અધિકારીઓએ તમામ વાહનો અને મશીન સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સંયુક્ત કાર્યવાહીમાં આશરે રૂ. 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજના બિનઅધિકૃત ખનન અને વહન અંગે જરૂરી દસ્તાવેજો તથા પરવાનગીઓની તપાસ હાથ ધરી દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચુંદડી ગામે થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ખાણ-ખનીજ વિભાગ, સિંગવડ મામલતદાર અને રણધીકપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન અને ખનીજ વહન સામે વહીવટી તંત્રની કામગીરી ફરી ચર્ચામાં આવી છે.
