દાહોદના વ્યસ્ત વિસ્તાર એવા આંબેડકર ચોક નજીક આવેલી એક મોબાઈલ સ્ટુડિયોની દુકાનને રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે ચોરીને અંજામ આપવા આવેલા આ ઈસમોએ કોઈ સામાન્ય કપડાં નહીં પરંતુ મહિલાઓના વસ્ત્રો પહેરેલા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરવાની સાથે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના અંધકારનો લાભ લઈને કારમાં આવેલા અંદાજે ચાર જેટલા શખ્સો આંબેડકર ચોક પાસે પહોંચ્યા હતા. આ તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે જ મોબાઈલના શો રૂમમાં પહોંચ્યા હતા. આશ્ચર્યની બાબત એ છે કે તસ્કરોએ મહિલાઓના નાઇટ ડ્રેસના વસ્ત્રો પહેરેલા હતા જેથી પોલીસની આંખોમાં ધૂળ નાખીને તેમની ઓળખ છૂપાવી શકે. તસ્કરોએ મોબાઈલ સ્ટુડિયોની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી કાઉન્ટરમાં મૂકેલા તથા ડિસ્પ્લેમાં રાખેલા અલગ-અલગ કંપનીના કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરી બેગમાં ભરીને બિન્દાસ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોંકાવનારી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે,જેના ફૂટેજ હવે તપાસમાં મહત્વના પુરાવા સાબિત થઈ રહ્યા છે. ચકિત કરનારી આ ઘટના એસપી ઓફિસથી એક કિલોમીટર જેટલી પણ દુર નથી બની. સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
