દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક રેલી દરમિયાન અચાનક મોટો ઉપદ્રવ અને ઘર્ષણ જોવા મળ્યું હતું. રેલીમાં ડીજે લઈ જવા અને વગાડવા બાબતે સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે પોલીસે ટીયરગેસના બે શેલ છોડવા પડયાં હતા. ઘર્ષણમાં કેટલાક પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ હતી.
રવિવારે દાહોદમાં આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ રેલી યોજાઇ હતી. રેલી બપોરે 3 વાગ્યાના અરસામાં ગોધરા રોડ ખાતે પહોંચી ત્યારે ડીજે સિસ્ટમ લઈ જવા પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા નિયમો અનુસાર મનાઈ અથવા રોક લગાવાઇ હતી. જે બાબતે રેલીમાં સામેલ કેટલાક યુવાનો અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર ઝઘડામાં પરિવર્તિત થઈ હતી. જેથી ઉશ્કેરાયેલ તોફની ટોળાએ કાયદો હાથમાં લઈને પોલીસ કાફ્લા પર અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો. હુમલામાં કેટલાક પોલીસ કર્મીને સામાન્ય ઈજા થઈ હતી. સરકારી વાહનો અને પોલીસકર્મીઓને નિશાન બનાવાતા પરિસ્થિતિ વણસી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સરકારી ફરજમાં અડચણ ઊભી કરનાર, કાયદો તોડનાર અને પોલીસ પર હુમલો કરનાર 5થી 7 ઉપદ્રવી તત્ત્વોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. હાલમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ છે.
