દેવગઢબારીઆથી વાયા બામરોલી, કાટું જવાના માર્ગ પરના દૂધિયા અને લવારીયા ગામ સ્થિત ઉજ્જવળ નદી પરનો બંધ કરેલો પુલ સમારકામ બાદ ભારે વાહનો માટે પુનઃ ખુલ્લો કરી દેવાયો છે, પરંતુ એસ.ટી વિભાગ દ્વારા બંધ કરેલા રૂટ હજુ સુધી નહીં શરુ કરાતા આ વિસ્તારના વિદ્યાર્થીઓ અને રોજ અપડાઉન કરતાં નોકરીયાતોને ખાનગી વાહનોમાં અવરજવર કરવી પડી રહી છે.
દેવગઢબારીઆથી વાયા બામરોલી ઘોઘંબા, કાટુ તરફ્ જવાના રસ્તા પર આવેલા દૂધિયા અને લવારીયા ગામમાંથી પસાર થતી ઉજ્જવળ નદી પર આવેલો પુલનું ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ધોવાણ થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વાહનો માટે પુલ બંધ કરી દેવાયો હતો. જે બાદ એસ.ટી વિભાગ દ્વારા આ રૂટ પરની બસો બંધ કરી દેવામાં આવી હતી. આથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ તથા નોકરીયાત સહીતના મુસાફરોને ખાનગી વાહનોમાં બમણુ ભાડું આપી મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જર્જરિત પુલનું સમારકામ કરી પુનઃ ભારે વાહોન માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. જોકે આ પુલની બંને બાજુ તંત્ર દ્વારા લગાવેલા, ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ સુચવતાં બોર્ડ હજુ સુધી દૂર કરાયા નથી. તેમજ એસ.ટી વિભાગ દ્વારા પણ હજુ સુધી બંધ કરાયેલા રૂટ પુનઃ શરુ કરાયા નથી. જો કે, ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનોની અવરજવર શરુ થઈ ગઈ છે. ત્યારે એસ.ટી વિભાગમાં સ્થાનિક આગેવાનો, સરપંચોએ રજૂઆત કરી બંધ કરેલા રૂટ પુનઃ શરુ કરવા માગ કરી છે.










