સંજેલીથી નાની સંજેલી થઈ સિંગવડ તરફ જવાનો માર્ગ જોખમરૂપ બની ગયો છે. માર્ગ પરની કાલીયા હીલ સિંચાઈ તળાવની નહેર પરનો ડીપ ખોરવાતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધી રહ્યો છે.
કાલીયા હીલ સિંચાઈ તળાવની નહેર પરનો ડીપ હાલ જર્જરિત છે. જેનો એક બાજુનો ભાગ તૂટી જતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે મોટું જોખમ સર્જાયું છે. વાહન નહેરમાં ખાબકે અને અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી એક સાથે બે વાહનો પસાર થઈ શકતા નથી. જેના કારણે અવારનવાર વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ મુખ્ય માર્ગ હોવાથી દિવસભર નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકો માટે આ રસ્તો વધુ જોખમી બની જાય છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી નહેરના ડીપનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.










