દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં રજવાડી સ્ટેટ સમયનું મહારાજા પુષ્પસિંહજી સાહેબના સમયે લોકોની સુવિધા માટે તળાવ બાંધવામાં આવ્યું હતું. વર્ષો બાદ દેખરેખ અને રીપેરીંગ કામના અભાવે આ તળાવ આજે ખુબ જ દયનિય હાલતમાં છે. કાદવ, કીચડ, કચરો અને ગંદકીથી ખદબદતાં આ તળાવના ઘાટ જોઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળે છે.

સંજેલી નગરમાં રજવાડી સ્ટેટ સમયે નિર્માણ પામેલા તળાવની ફરતે ત્રણ મંદિરો આવેલા છે, નગરના લોકો રોજ સવારે આ મંદિરોમાં દર્શને આવતાં હોય છે, તેમજ તળાવના ઘાટ પર નગરની મહિલાઓ આજે પણ કપડાં ધોવા માટે આવે છે. ઉપરાંત દર વર્ષે તાજિયા, દશામાં અને ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન પણ આ તળાવમાં થાય છે. ત્યારે તળાવના મુખ્ય ઘાટની દુર્દશા જોવા મળે છે. ચારે તરફ્ કચરાના ઢગલા કાદવ, કીચડ અને પ્લાસ્ટિકનો કચરો પણ જોવા મળે છે. અગાઉ ઘાટના કેટલાક પગથિયાં તૂટી ગયા હતાં, મુખ્ય ઘાટનું ધોવાણ થઈ રહ્યું છે, જેના રીપેરીંગ માટે પંચાયત અને તાલુકામાં રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત બીજો ઘાટ અને નવા બનાવેલ ઘાટના કામમાં પણ વેઠ ઉતારતાં તેના પગથિયાં અને પાળોનું ધોવાણ થયેલું છે. નીચે મોટો ભુવો પડેલો હોવાથી આ વર્ષે ચોમાસામાં પાણીનો સંગ્રહ થાય તેમ જણાતું નથી, આ બાબતે આગામી દિવસોમાં આવનાર ગણેશ મહોત્સવમાં વિસર્જન પૂર્વે તળાવના ઘાટનું સમારકામ કરાવી ગંદકીની સાફસફાઈ કરવા માગ કરાઈ છે.