સિંગવડ નગરથી કાળિયારાઈ થઈ લીમડી તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસમાર છે. માર્ગ પર ઠેરઠેર પડેલા ખાડા, ઊખડી ગયેલી ડામરની સપાટી અને બંને બાજુની તૂટી ગયેલી કિનારીઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતના સતત ભય વચ્ચે હજારો લોકો રોજિંદી અવરજવર કરવા મજબૂર બન્યા છે.


આ માર્ગ પરથી તાલુકા કક્ષાની આર્ટ્સ કોલેજ, આઈ.ટી.આઈ., એ.એન.એમ., જી.એન.એમ., બી.એડ. કોલેજ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ રોજ પસાર થાય છે. ઉપરાંત તાલુકા કક્ષાના વિવિધ સરકારી કામો માટે આવતા લાભાર્થીઓ, આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે. વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ભમરેચી માતાના મંદિરે દરરોજ તેમજ તહેવારો દરમિયાન હજારો શ્રાદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અન્ય જિલ્લાઓ તથા રાજસ્થાન તરફ્ જવા-આવવા માટે પણ આ માર્ગ જીવાદોરી સમાન માનવામાં આવે છે. લીમડી માર્કેટ સુધી શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો પહોંચાડતા ખેડૂતો માટે પણ આ માર્ગ મુખ્ય સંપર્ક માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. માર્ગની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે અનેક સ્થળોએ ડામરની સપાટી સંપૂર્ણપણે ઊખડી ગઈ છે અને મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે બાઈકચાલકો, નાના વાહનચાલકો તથા રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સાથે સાથે વાહનોના સમારકામ પાછળ વધારાનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે.જેથી વહેલીતકે આ માર્ગનું સમારકામ કરવા અથવા નવો બનાવવા માગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: